logo
logo
"PARENTING FOR PEACE (P4P) - Nurturing Joyful, Loving and Skillful Childhood for World Peace" "પેરેન્ટિંગ ફોર પીસ (પી ફોર પી) - પ્રેમ, આનંદ અને આવડત ભર્યા બાળ ઉછેર થકી વિશ્વ શાંતી"

About Us

Parenting for Peace

Histroy Of P4P

બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે તે જે જુએ, અનુભવે તે શીખે છે. બાળક પ્રેમ પામે તો મોટો થઇ પ્રેમાળ વ્યકિત તરીકે સમાજને સવાયો પ્રેમ પાછો આપે છે. બાળક બચપણમાં હિંસાનો અનુભવ કરે તો હિંસા શીખે છે.

આવું દરેક બાળકના જીવનમાં બને છે. જાણે-અજાણે થતા આવા અનુભવમાંથી દરેક બાળક શીખતુ હોય છે. પરંતુ મા-બાપ તથા શિક્ષક તરીકે આપણે આ બાબતથી અજાણ હોઇએ છીએ કારણ કે આપણે ત્યાં પ્લમ્બરથી પાઇલોટ થવાની તાલીમ આપવામાં આવે છે પણ મા-બાપ થવાની તાલીમ જરુરી ગણાતી નથી.

બાળકને થપ્પડ મારીને ટીવી બંધ કરાવીએ કે થપ્પડ મારીને ભણવા બેસાડીએ કે વર્ગમાં ડસ્ટર પછાડી શાંતિ રાખવાનો પ્રયત્ન કરીએ ત્યારે બાળક હિંસા શીખે છે. બાળક શીખે છે કે હિંસાના માધ્યમથી ધાર્યુ કરાવી શકાય છે. બચપણમાં અજાણતાં જ વવાયેલાં હિંસાના બીજ વટ વૃક્ષ થઇ સમાજને પીડે છે. ત્રાસવાદ અને યુધ્ધ હિંસાનાં વરવાં સ્વરૂપ છે પરંતુ તેના મૂળમાં વ્યકિતના મનમાં વેરાયેલાં હિંસાનાં બીજ હોય છે.

માબાપો અને શિક્ષકો બાળકનું ભલું જ ઇચ્છે છે. બાળક વિકસે તેવું જ તેઓ ઇચ્છતાં હોય છે પરંતુ તેવું કેવી રીતે કરવું તેનાથી મોટે ભાગે અજાણ હોય છે. પરિણામે બાળકો સૂક્ષ્મ સ્થૂળ હિંસાનો ભોગ બનતા હોય છે. માબાપની સમજ કેળવાય તે જરૂરી છે. તે માટે તેઓનું પ્રશિક્ષણ આવશ્યક છે. તે માટે પ્રયાસ નહિ કરવામાં આવે તો હિંસાનું આ વિષચક્ર ચાલતું જ રહેશે.

એટલે જ ’પેરેન્ટીંગ ફોર પીસ’ અર્થાત ’બાળ ઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં’ અભિયાન બાળઉછેરની આ વૈજ્ઞાનિક હકીકતથી માબાપ, શિક્ષક અને સમાજને અવગત કરાવવાનું કામ કરે છે. અભિયાનનુ મુખ્ય કામ માબાપ અને શિક્ષકોને તાલીમ આપવાનું છે અને તેનું મુખ્ય ધ્યેય છે બાળકોને પ્રેમ અને આનંદભર્યું બાળપણ આપવું જેથી જેઓ શાંતિપૂર્ણ સમાજના સ્થંભનિર્માતા બને. અભિયાનની તમામ પ્રવૃત્તિઓ વિના મૂલ્યે કરવામાં આવે છે.

આ રીતે કામ કરવા છ એક વર્ષ પહેલાં મેં મિત્રોને પત્ર લખ્યાં ત્યારે ભાવનગર જિલ્લાના સણોસરા ખાતેની લોકભારતી સંસ્થામાંથી ભાવનાબહેન પાઠકે સ્વ.મનુભાઇ પંચોળી ’દર્શક’ ની નાનકડી પુસ્તિકા ’’વિશ્વ શાંતિની ગુરુકિલ્લી’ મોકલી. તે પહેલાં મને એમ હતુ કે બાળહિંસા અનેત્રાસવાદને જોડવાનો મારો વિચાર મૌલિક હતો પણ ‘દર્શકે’ આ વાત પચાસેક વર્ષ પૂર્વે અદભૂત રીતે ચાર વ્યાખ્યાનોમાં કરી હતી. આ પુસ્તિકા અમારા સૌ માટે માર્ગદર્શક બની. તે ઘરે ઘરે પહોંચાડવાની નેમ છે. તેનો હિન્દી, મરાઠી તથા અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત કર્યો છે. મલયાલમ તથા બંગાળીમાં અનુવાદ ટૂંક સમયમાં થશે.

આ બહુ મહત્વનું કામ છે અને સમગ્ર વિશ્વમાં કરવા જેવું કામ છે. તેમાં આગળ વધાય તે હેતુથી માર્ચ ર૦૧૩માં મે સુરતમાં મિત્રોને બોલાવી વાત કરી. તેઓએ બીજાં કેટલાંક નામો સૂચવ્યા. કેટલાક સામેથી આવ્યાં. અમે દર મહીને મળવાનુ શરૂ કર્યુ. દર બેઠકે નવાં નવાં કામો સૂચવાય. દરેક જણ સ્વૈચ્છિક રીતે જવાબદારી લે. તે પછીની બેઠકમાં તેનો હિસાબ આપે. ઘણી તાલીમ સામગ્રી તૈયાર થઇ. ત્રિભાષી વેબસાઇટ www.parentingforpeace.in શરૂ કરી તેમાં બાળઉછેરના પ્રશ્નો મૂકયાં.

ઘણું કામ થયું પણ તેને સમાજ સુધી પહોંચાડવું કેમ? માબાપો અને શિક્ષકો તેનો લાભ લે તે માટે શું કરવુ તે પ્રશ્ન પજવતો રહ્યો. છેવટે જુલાઇ ર૦૧૪માં સુરતમાં બે દિવસનું સંમેલન મળ્યુ. આ ક્ષેત્રમાં કામ કરતા અથવા કામ કરવા માગતા ગુજરાતભરના ૧૯૦ લોકોએ ભાગ લીધો. બે દિવસમાં બાળઉછેરને લગતાં ૧૭ પ્રેઝન્ટેશનોની તાલીમ આપી તેની સીડી તેઓને આપી જેથી તેઓ પોતે માબાપ અને શિક્ષકોને તાલીમ આપી શકે. તેમાંથી ગુજરાતમાં પાંચ-સાત જગ્યાએ ટીમોએ કામ શરૂ કર્યુ.

નવી નવી જગ્યાએ કામ શરૂ થાય તે માટે પરિચય કાર્યક્રમો ગોઠવાતા ગયા. કામ વિસ્તરતુ ગયુ. એક સમયે ગુજરાતમાં ૧૬ અને મધ્યપ્રદેશમાં ર એમ કુલ ૧૮ ટીમો કામ કરતી થઇ.

શરૂઆતના દિવસોમાં અભિયાનના સ્વરૂપ વિષે ઘણી ચર્ચા ચાલી. એકમત એવો હતો કે સ્વૈચ્છિક સંસ્થાના ટ્રસ્ટની નોંધણી કરાવી કામ કરવું જોઇએ જયારે બીજો મત ટ્રસ્ટના પક્ષમાં ન હતો. ટ્રસ્ટના પક્ષમાં તર્ક એવો હતો કે તેનાથી કામને માળખુ મળશે જેથી કામ ટકશે. કેટલાક લોકોનો આ રીતે કામ કરતા ટ્રસ્ટો વિશે સારો અભિપ્રાય ન હતો. પણ ખરા વજૂદવાળી મુખ્ય બાબત જુદી હતી.. અભિયાનનો હેતુ બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવાનો છે અને કોઇ પણ રીતે આ કામ કરનાર વ્યકિત કે સંસ્થા તેમાં જોડાઇને કે જોડાયા સિવાય આ કામ કરી શકે તે અભિયાનનો મુખ્ય હેતુ છે. ટ્રસ્ટ નોંધાવાથી કદાચ આ શકય ન બને. સંસ્થાના બંધનમાં બંધાયા વિના વ્યક્તિગત રીતે કામ કરનાર કે આવું કામ કરનારી અન્ય સંસ્થાઓ જોડાઈ શકે તે સારું પણ ખુલ્લાપણું ઘણું જરૂરી હતું.

બધા ઉચ્ચ કક્ષાની સમજ સાથે જોડાયા હતા તેથી મતભેદનો પ્રશ્ન ન હતો. આ પ્રશ્ન બાજુ પર રહયો અને કામ ચાલતુ રહયું. જેમ જેમ કામ કરતા ગયા તેમ અભિયાનનું સ્વરૂપ સ્પષ્ટ થતું ગયું. દર મિટીંગમાં નવા નવા લોકો આવતા ગયાં અને નવાં નવાં કામો થતાં ગયાં. કોઇ પ્રો. વિજય સેવકને લઇ આવ્યુ. જેમણે બધા સ્વયંસેવકોને પ્રક્રિયા નાટક શીખવ્યુ. સ્ક્રીટ કાર્યક્રમોનુ અવિભાજય અંગ બન્યુ. ફિલ્મ સોસાયટી ઓફ સુરતના સુનિલભાઇ જૈન બાળ ફિલ્મોનો વિચાર લઇ આવ્યા અને સુરત મહાનગર પાલિકાની શાળાઓમાં બાળ ફિલ્મો બતાવવાનુ શરૂ થયુ ઈત્યાદી.

કામ વિસ્તરતું ગયું તેમ અભિયાનનું સ્વરૂપ ઉઘડતું ગયું અને કોઇકે કહયુ કે આ વિચાર અભિયાન છે. આ વિચારમાં માનનાર અને તે માટે કામ કરવા ઇચ્છતી કોઇ પણ વ્યકિત કે સંસ્થા પોતપોતાને ઠેકાણે પોતાની રીતે આ કામ કરી શકે. અભિયાનનુ કામ તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવાનુ છે. જેથી તેઓનુ કામ અનેકગણું વિસ્તરે.

કોઇ પણ અભિયાન ત્યારે જ સફળ થયું ગણાય જયારે તેનુ નેતૃત્વ જેણે તે શરૂ કર્યુ હોય તેના હાથમાં ન રહે; વધુને વધુ લોકો નેતૃત્વ સંભાળી કામ આગળ વધારે. ર૦૧૪ના સુરત સંમેલન પછી અભિયાનનું નેતૃત્વ ડો. કમલેશભઇ પારેખના હાથમાં છે પરંતુ તેમની પાસે કોઇ હોદ્દો નથી. બધા સાથે મળી કામ કરે છે. અભિયાનમાં કયાંય કોઇની પાસે કોઇ હોદ્દો નથી. દરેક જણ તે વખતની જરૂરિયાત મુજબ જવાબદારી સંભાળે છે અને ભૂમિકા નિભાવે છે..

શરૂઆતમાં જ અભિયાનનુ મિશન સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યુ. જેમાં વિઝન, મિશન, મૂલ્યો, કામ કરવાની પધ્ધતિ વિગેરે સામેલ છે. પણ જેમ જેમ કામ આગળ વધતું ગયું તેમ એ સ્પષ્ટ થયું કે શુધ્ધતા અને પવિત્રતા એ બે મુખ્ય મૂલ્યો છે. બાળકોને પ્રેમ અને આનંદભર્યું બાળપણ આપવાના શુધ્ધ હેતુવાળી વ્યકિત જ આમાં ટકી શકશે. ઘણા લોકો આવ્યાં અને ગયાં. કેટલાક તો પોતાને શું મળશે તેવા સ્થૂળ હેતુ સાથે જ આવ્યાં હોય. તેઓ તો બહુ જ ઝડપથી ગયાં. પરંતુ કેટલાકને આવો સ્થૂળ સ્વાર્થ ન હતો છતાં પણ મનમાં કયાંક પોતે સામાજિક કાર્ય કરી રહયા છે તેવો અહં હશે. કેટલાકને આવું કામ કરવાથી તેમના કામની નોંધ લેવાશે, મંચ શોભાવવા મળશે તેવી અચેતન ઇચ્છા હશે. આવા લોકો પણ ધીરે ધીરે ખરતા ગયા.

ભાતભાતનું કામ કરનારા પણ આમાં ટકી નથી શકતા કારણ કે જીવનમાં કશુક નોંધપાત્ર કરવા માટે ફોકસ ઘણું જરૂરી છે. કેટલાક એવા લોકો પણ છે જે આ કામ કરવા માંગે છે પણ સાતત્ય જાળવી શકતા નથી. આપણે રોજ કસરત કરવા ઈચ્છીએ પણ થોડો સમય કરીએ અને છૂટી જાય તેના જેવું.

કામ અનેકગણું વધ્યુ છે. કામની ગતિ અને દિશાથી બધાને સંતોષ છે. આ વિચાર અભિયાન સમગ્ર વિશ્વમાં પ્રસરશે તેવી શ્રધ્ધા વધતી જાય છે. એ પણ સ્પષ્ટ થયું છે કે નિસ્વાર્થ ભાવે કામ કરવા ઇચ્છતા લોકો જ આ કામ કરી શકશે. એવા લોકો ઉમેરાતા જાય છે.

આ વિચારમાં માનનારા ઘણા લોકો સમગ્ર વિશ્વમાં છે. તેઓ કોઈને કોઈ રીતે આ કામ કરી રહ્યા છે. ઘણા એવા લોકો છે જેઓ આ કામ કરવા માંગે છે પણ કઈ રીતે કરવું તેની સમજ તેમની પાસે નથી. આવા સૌ લોકો બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં- બાળકોને કોઈ પણ રીતે પ્રેમ અને આનંદભર્યું બાળપણ આપવાના યજ્ઞકાર્યમાં પોતાનું યોગદાન કરી શકે છે. તેમ કરવા માટે કોઈ સંસ્થાના બંધનમાં કે કોઈ માળખામાં જોડાવાની જરુર નથી. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની રીતે આ કામ કરી શકે છે તે માટે અભિયાન આવા સૌ લોકોને જોડવા માંગે છે.

અભિયાનનો મુખ્ય ધ્યેય બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવાનો છે. માબાપ તથા શિક્ષકોને સાચી તાલીમ આપનાર, બાળકોને બાળ વાર્તાઓ કહેનાર, બાળકોને સરસ મજાની બાળ ફિલ્મ બતાવનાર, સાહિત્ય, ફિલ્મ, નાટકના માધ્યમથી આ વિચારનો પ્રસાર કરનાર, બાળકો, માબાપ તથા શિક્ષકોનું કાઉન્સેલીંગ કરનાર, માબાપને વ્યસન મુકત કરવાનું કામ કરનાર, બાળકોમાં થતા આત્મહત્યાના બનાવો અટકાવવા માટે કામ કરનાર – ટૂંકમાં બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ મળે તેવુ કોઇ પણ કામ કરનાર વ્યકિત બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં જ યોગદાન આપી રહી છે. આ અભિયાનમાં જોડાવાથી તેની કામ કરવાની ક્ષમતા વધશે અને તેનું યોગદાન અનેકગણુ વધશે.

અત્યારે આ અભિયાનમાં જોડાયેલાં મોટા ભાગના લોકો પ્રથમથી જ આ ક્ષેત્રમાં કામ કરી રહયા હતા. પરંતુ અભિયાનમાં જોડાવાથી તેઓને અભિયાન તરફથી માર્ગદર્શન મળતું થયું અને દરેક સભ્યની ક્ષમતાનો લાભ સમગ્ર અભિયાનને મળતો થયો. જેથી કામની માત્રા અને ગુણવત્તા અનેકગણી વધી. આથી જ આ વિચાર અભિયાનનો હેતુ આવું કામ કરનારાઓને જોડવાનો છે, તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આવો, આપણે સૌ ભેગા મળી બાળકોને પ્રેમ અને આનંદ ભર્યું બાળપણ આપવાની દિશામાં કાર્ય કરી વિશ્વશાંતિની દિશામાં યોગદાન આપીએ.